સુરત: સુરત જિલ્લામાં ફરજ બજાવતા GRD જવાનોને છેલ્લા એક મહિનાથી પગાર ન મળતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈ 'હ્યુમન રાઇટ્સ ફેડરેશન (Human Rights Federation Inc)' દ્વારા સુરત જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ને સત્તાવાર પત્ર લખીને તાત્કાલિક પગાર ચૂકવવાની માંગણી કરવામાં આવી છે.
​ફેડરેશન દ્વારા જણાવાયું છે કે, GRD જવાનો પોતાની ફરજ અત્યંત નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા હોવા છતાં, તેમને સમયસર પગાર ન મળવો તે દુઃખદ છે. પગાર મોડો થવાને કારણે જવાનોને ઘર-પરિવારનું ગુજરાન ચલાવવામાં અને દૈનિક ખર્ચાઓ કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.
​હ્યુમન રાઇટ્સ ફેડરેશન (Human Rights Federation Inc) એ તંત્ર પાસે માંગ કરી છે કે, જવાનોના બાકી નીકળતા પગારની ચુકવણી ક્યારે કરવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવે અને વિલંબ કર્યા વગર જવાનોના ખાતામાં પગાર જમા કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ બાબતે સત્વરે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ અંગે વધુ રજૂઆતો કરવામાં આવશે તેવી ચીમકી પણ સંસ્થા દ્વારા આપવામાં આવી છે.